ફર્નિચર-ફલેટ

Author: Furniture Reporter  |  Category: News

બંગલાના ભાવે કરોડોમાં વેચાતા ફલેટ વિસ્તારના લીધે નહીં પણ તેમાં વપરાતા મોંઘા માર્બલ, મોડયુલર કિચન તથા સિકયોરીટી સિસ્ટમ વગેરે સવલતોથી મોંઘા બની જતા હોય છે

એક સુંદર ઘર, ઘરની આગળ ગાર્ડન અને ગાર્ડનમાં ઝૂલા અને બસ આ બધા માટે રૂપિયા! પણ કેટલા? વ્યકિત જયારથી કમાવાની શરૂઆત કરે ત્યારથી તેના જીવનનું એક જ સપનું હોય છે એક ઘર અને એક ગાડી, કેમ સાચું કીધું ને! ઘર હોવું એક જરૂરિયાત છે પણ ઘરને મહેલ બનાવવું એક સપનું હોય છે. ઇટાલિયન માર્બલ, મોડયુલર કિચન, જેગુઆરની સિસ્ટમ, ઇન્ટરનેશનલ સ્ટાઇલની ટાઇલ્સ ઘરને બે મિનિટમાં જ મહેલ બનાવી દે છે. અમદાવાદીઓ પોતાનાં સપનાંનો મહેલ બનાવવા માટે એક કરોડથી પણ વધુ રૂપિયા ફલેટ પાછળ ખર્ચ કરતા હોય છે. જેમાં ફલેટના એરિયાની કિંમત કરતા પણ તેમાં આપવામાં આવતી ફેસિલિટી અને ઘરની અંદર વપરાતાં મટિરિયલ્સ લોકોની ‘ચાર આંખો’ કરી દે તેવાં હોય છે.

પચાસ લાખ ઉપરની રેન્જમાં ફલેટ બને તે વાત હવે મામુલી બની ગઇ છે. ડેવલપમેન્ટ ક્ષેત્રે રાતદિવસ આંધળી પ્રગતિ કરતા અમદાવાદમાં પ્રોપટીના ભાવ પણ રાતદિવસ આંધળી પ્રગતિ કરી રહયાં છે. તેમાં પણ દરેક પ્રકારની વસ્તુ ઇન્ટરનેશનલ સ્ટાઇલની જ હોવી જોઇએ. આ અંગે વાત કરતાં પાશ્વનાથ કોર્પોરેશનના રૂષભભાઈ પટેલ કહે છે કે, ‘હાઇ રેન્જના ફલેટમાં મટિરિયલ્સ પણ હાઇ રેન્જનાં જ વાપરવાં પડે છે. મોટા ભાગે અમે ઇન્ટરનેશનલ સ્ટાઇલના ફલોરિંગનો ઉપયોગ કરીએ છીએ. જેમાં પોરેસિલન મટિરિયલ્સના ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત છેલ્લા છ મહિનાથી મટિરિયલ્સના ભાવમાં ૪૦ ટકા જેટલો વધારો થઇ ગયો છે જેના લીધે મકાનની કિંમત પણ વધી જાય છે.’ કિચન એ દરેક ઘરની પહેલી જરૂરિયાત હોય છે માટે તેને પહેલું મહત્ત્વ આપવામાં આવે છે.

વિનસના યુવા બિલ્ડર રાજેશ વાસવાની કહે છે કે, ‘એક સમય હતો જયારે કિચનમાં ફકત સાદા પથ્થર આપવામાં આવે છે. જયારે અત્યારે મોડયુલર કિંચન તૈયાર કરવામાં આવે છે. જેમાં કલર ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. એક કરોડના ફલેટમાં ફલોરિંગ ઇન્ટરનેશનલ સ્ટાઇલના વાપરવામાં આવે છે જેની કિંમત જ સ્કેવર ફૂટ ૨,૫૦૦થી પણ વધારે હોય છે.’ જયાં ફલેટની કિંમત સિત્તેર - એંસી લાખ હોય તેમાં ફર્નિચર પણ એટલું જ સારું હશેને? ફલેટની કિંમત સાંભળી ઘણી વ્યકિતના મગજમાં પહેલો સવાલ આ જ ઉદ્ભવતો હોય છે. પરંતુ હાઇ રેન્જના ફલેટ ફર્નિચર સાથે નથી હોતા. સૌમિલ પુરોહિત કહે છે કે, ‘જે લોકો આટલી મોંઘી રેન્જના ફલેટ લેતા હોય છે તેમને દરેક પ્રકારની હાઇ ફેસિલિટી જ જોઇતી હોય છે. ઘણી જગ્યાએ એવી પણ ફેસિલીટી મૂકવામાં આવે છે કે હાથ ધોવા માટે નળ ખોલવાની તસ્દી પણ ના લેવી પડે કે સાબુ પણ હાથમાં ના લેવો પડે. આ પ્રકારની ફેસિલિટી જ ફલેટની કિંમત વધારી દેતા હોય છે. જયારે અન્ય સિકયોરિટી માટે વપરાતાં દરેક સાધનો પણ સિત્તેર લાખના ફલેટનો એક ભાગ જ હોય છે. સિકયોરિટી ઓફિસમાં ભેલી વ્યકિતને જેના ઘરે જવું હોય તેના ઘરે તેનો ફોટો આવી જાય છે. જેથી જે તે વ્યકિત તેને ઓળખતી ના હોય તો તરત જ ના પાડી શકે છે. જેથી તેને ફલેટના ગેટ આગળથી અટકાવી દેવામાં આવે છે.’

એક કરોડના ફલેટમાં વપરાતાં મટિરિયલ્સ

ઇમ્પોર્ટેડ ફલોરિંગનો ઉપયોગ કરવામાં આવે છે
ઇટાલિયન માર્બલ (ફલોરિંગ)નો ઉપયોગ સૌથી વધારે થાય છે
મોડયુલર કિચનની સાથે કલર ગ્રેનાઇટનો ઉપયોગ કરાય છે
બાથરૂમમાં જેગુઆર કંપનીની હાઇરેન્જની સિસ્ટમ વપરાય છે
સિકયુરિટી સિસ્ટમ માટે સીસીડી કેમેરા મૂકાય છે
વિન્ડોમાં સેલસર સાયરન મૂકવામાં આવે છે જેથી કરીને બારીના કાચ તોડે તો તે તરત જ વાગવા માંડે છે
કૂકિંગ ગેસ લીક થાય તો તરત જ સાયરન વાગે છે
દિવાલના કલર ઉપર ઇમ્પોટેર્ડ પોલિશ લગાડાય છે જેથી દીવાલ ઉપર માર્બલ ઇફેકટ આવે છે
માસ્ટર બેડરૂમમાં વૂડન ફલોરિંગ કરવામાં આવે છે
ગાર્ડનમાં હાઇ રેન્જના પ્લાન્ટનું પ્લાન્ટેશન કરાય છે [co.d.b]

Comments are closed.